
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથા-યોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મુખ્ય કેન્દ્ર: શ્રી માયાપુર ચંદ્રોદય મંદિર
શિબિર: ડલ્લાસ
તારીખ: ૧૫ મે ૨૦૨૬
મુખ્ય મુદ્દાઓ
હું અહીં યુએસએમાં ત્રણ વર્ષના અંતરાલ પછી આવ્યો છું. ઈસ્કોન દિલ્હી ખાતે નૃસિંહ ચતુર્દશી ઉત્સવ ઉજવ્યા પછી, ૭ મેના રોજ અમે યુકે માટે પ્રવાસ કર્યો. ત્રણ વર્ષ પછી મેં લાંબી ઉડાન લીધી હતી. પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે માર્ગ લાંબો બન્યો હતો, તેથી યુકે પહોંચવા માટે અમારે નવ કલાકની ઉડાન લેવી પડી.
લંડન હીથ્રો હવાઈ મથક પર લગભગ ૪૦૦ ભક્તોએ “ગૌરાંગ! હરિબોલ!” ના ઉલ્લાસભર્યા કીર્તન સાથે મારું સ્વાગત કર્યું. પોલીસ અને હવાઈ મથકના અધિકારીઓ ભક્તોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને તેમણે મને સામાન્ય રીતે નીચે કાર પાર્ક સુધી જઈને હવાઈ મથક છોડવાની પણ મંજૂરી આપી નહોતી. જ્યારે હું એલિવેટર લઈને ઉપરના લાઉન્જમાં ગયો, ત્યારે તેઓ પણ ઉપર આવી ગયા અને મને વિનંતી કરી કે હું પાંચમા માળેથી ગુપ્ત રીતે બહાર નીકળું! આ એક બહુ જ વિશેષ ઘટના હતી — મહાનુભાવો, પ્રખ્યાત ફૂટબોલ ખેલાડીઓ, પ્રખ્યાત ફિલ્મ કલાકારો — કોઈને પણ આવું સ્વાગત મળતું નથી. ભક્તો એટલા આનંદમાં હતા કે તેમણે પોલીસની કે અન્ય કોઈની વાત સાંભળી નહીં! તેઓ તો માત્ર હરિબોલના કીર્તન અને નૃત્યમાં મગ્ન હતા!
યુકેમાં પ્રચાર એટલો વિસ્તર્યો છે તે જોઈને મને ખૂબ આનંદ થયો, અને યુકે પહોંચ્યા પછી આ પ્રથમ વખત હતું કે એટલા બધા ભક્તોએ મારા આગમન પર મારું સ્વાગત કર્યું.
હવાઈ મથકથી અમે બર્મિંધમ ગયા અને ત્યાં ત્રણ દિવસ રોકાયા. અમે યુરોપના વિવિધ ભાગોમાંથી આવેલા ભક્તો માટે દીક્ષા સમારોહ યોજ્યો. ત્યારબાદ અમે ૨૪ કલાકના કીર્તન મહોત્સવમાં હાજરી આપી, જે એક અતિ આનંદમય ઉત્સવ હતો!
પછી, ૧૧ મેના રોજ, અમે લંડનથી ડલ્લાસ માટે બીજી દસ કલાકની ઉડાન દ્વારા પ્રવાસ કર્યો. મારે ૧૧ મે સુધીમાં યુએસમાં પહોંચવું જરૂરી હતું. હું હાલમાં સર્વજય માધવ દાસ અને તેમના પરિવારના નિવાસસ્થાને રહું છું. મારે અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે, તેથી તેમણે મારા રૂમમાં જ ડાયાલિસિસની વ્યવસ્થા કરી છે જેથી મારે હોસ્પિટલ જવું ન પડે. કૃષ્ણ ઇચ્છશે તો હું ન્યૂ ઓર્લિઅન્સમાં સાધુ સંગ રિટ્રીટ, એટલાન્ટામાં પાણિહાટી ઉત્સવ, ન્યૂયોર્ક રથયાત્રા વગેરેમાં ભાગ લેવાનો વિચાર રાખું છું. યુએસના ઘણા અન્ય મંદિરોમાંથી પણ મને આમંત્રણ મળ્યાં છે. આ બધું મારા આરોગ્ય અને સુખાકારી પર આધારિત રહેશે.
શ્રીલ પ્રભુપાદે મને ૧૦૦ કરતાં વધુ પત્રો લખ્યા હતા. તાજેતરમાં, શ્યામ રસિક દાસે મને ૧૯૭૨ માં તેમણે લખેલા એક પત્રની યાદ અપાવી. તે પત્રમાં શ્રીલ પ્રભુપાદે મને અનેક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા, જે માત્ર મારા માટે જ નહીં પરંતુ જીબીસી, પ્રચાર અને ઈસ્કોન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે તમામ ધર્મો અને લોકોમાં એકતા લાવવાની, બંગાળી ભાષામાં પુસ્તકો છપાવવાની, સારસ્વત પરિવારને એકત્રિત કરવાની વગેરે બાબતોમાં માર્ગદર્શન આપ્યું હતું. અને એ જ પત્રમાં શ્રીલ પ્રભુપાદે મને તરત જ કેનેડિયન નાગરિકત્વ મેળવવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું, જો તેનાથી વ્યાપક પ્રચાર માટે વધુ સુવિધા મળે. ત્યારબાદ શ્રીલ પ્રભુપાદે લખ્યું હતું: “તમે સંન્યાસી છો, તેથી આ રીતે પ્રચાર કરો અને પરિવ્રાજકાચાર્ય બનો.”
તેથી હું સતત શ્રીલ પ્રભુપાદે મને આપેલા વિવિધ નિર્દેશો પર ચિંતન કરું છું અને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. હું હજુ ઘણું વધારે કરવા ઈચ્છું છું. હાલમાં મારું શરીર માત્ર મર્યાદિત પ્રમાણમાં જ કાર્ય કરી શકે છે, છતાં પણ હું પ્રયત્નશીલ છું! શ્રીલ પ્રભુપાદે મને મારા સહાયકો દ્વારા કાર્ય કરવાના નિર્દેશ આપ્યા હતા, અને હું તે કરવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
શ્રીલ પ્રભુપાદનો સંદેશ
“યોગ પ્રક્રિયાનું લક્ષ્ય સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવાનું છે. તેનો અર્થ એ છે કે મન પરમેશ્વર પર સ્થિર થવું જોઈએ. મનનો સ્વભાવ હંમેશા ચંચળ રહેવાનો છે, અને જો આપણે કૃત્રિમ રીતે મનને વધુ ચંચળ બનાવવા માટે પ્રોત્સાહન આપીએ, તો પછી સમાધિનો પ્રશ્ન જ ક્યાં રહે? સમાધિનો તો પ્રશ્ન જ નથી. તે ક્યારેય મનને એકાગ્ર કરી શકશે નહીં. તે શક્ય નથી. તેથી આ યુગમાં અન્ય કોઈ પ્રક્રિયા સફળ નહીં થાય. માત્ર આ પ્રક્રિયા — હરે કૃષ્ણનો જપ. કોઈપણ વ્યક્તિ, તે કોઈપણ સ્થિતિમાં હોય, જેમ જ તે હરે કૃષ્ણ સાંભળશે, તે તરત જ જોડાઈ જશે. તેનું મન તરત જ આકર્ષિત થશે. આ સૌથી સરળ પ્રક્રિયા છે — ધ્વનિનું સ્પંદન. અહીં કોઈ શ્વાસ વ્યાયામનો અભ્યાસ કરવા કે કોઈ ખાસ આસનમાં બેસવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુઓ આ યુગમાં શક્ય નથી. અમે તો તમને માત્ર અહીં આવવા અને હરે કૃષ્ણના જપમાં જોડાવા આમંત્રિત કરીએ છીએ, અને ખૂબ જ ઝડપથી તમે આધ્યાત્મિક રીતે ઉન્નત થશો. આ હકીકત છે. નહીં તો બીજો કોઈ વિકલ્પ નથી.”
— ભગવદ્-ગીતા ૨.૪૦-૪૫ પર પ્રવચન, લોસ એન્જેલેસ, ૧૩ ડિસેમ્બર ૧૯૬૮
“માત્ર હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો જપ કરો. કલૌ — આ કલિયુગમાં. ‘કલૌ નાસ્ત્યેવ, નાસ્ત્યેવ.’ નાસ્ત્યેવનો અર્થ — બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ વિકલ્પ નથી. જો તમે આ પદ્ધતિ અપનાવો, આ ભક્તિ-યોગ પદ્ધતિ, જે અત્યંત સરળ છે — માત્ર જપ કરવો — તો તમને તરત જ પરિણામ મળશે. ‘પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ્.’ અન્ય કોઈ યોગ પદ્ધતિનો અભ્યાસ કરો તો તમે અંધકારમાં રહો છો. તમને ખબર પડતી નથી કે તમે કેટલી પ્રગતિ કરી રહ્યા છો. પરંતુ આ પદ્ધતિમાં તમે સમજી શકશો: “હા, હું આવી આવી પ્રગતિ કરી રહ્યો છું.” આ એકમાત્ર યોગ પદ્ધતિ છે — ભક્તિ-યોગ — જેને કોઈ વ્યક્તિ આ જ જીવનમાં ઝડપથી પરિણામ મેળવવા, આત્મસાક્ષાત્કાર અને મુક્તિ માટે અનુસરી શકે છે. તેને બીજા જીવનની રાહ જોવાની જરૂર નથી. કૃષ્ણ ભાવનામૃત એટલુ સુંદર છે.”
— ભગવદ્-ગીતા ૬.૩૦-૩૪ પર પ્રવચન, લોસ એન્જેલેસ, ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૯
મારો સંદેશ
હું ભક્તોને વારંવાર વિનંતી કરું છું કે તેઓ ભક્તિ-યોગી અને ભક્તિ-યોગિની બને અને આ પ્રક્રિયાનો ગંભીરતાપૂર્વક સ્વીકાર કરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે — આ મહામંત્રના જપના અભ્યાસ દ્વારા આપણે આપણા મનને મજબૂત બનાવવાની જરૂર છે. જો તમે સતત જપ કરતા રહેશો, તો આધ્યાત્મિક જગતમાં તમારું ગમન નિશ્ચિત છે. આપણે ભૌતિક શક્તિ સામે યુદ્ધ કરી રહ્યા છીએ.
હવે આપણી પાસે આ વિશેષ પુરુષોત્તમ માસ છે, જે ૧૭ મે થી શરૂ થઈ રહ્યો છે. પુરુષોત્તમ માસમાં, કૃષ્ણે આ માસને સ્વયંથી અભિન્ન તરીકે સ્વીકાર્યો છે. સીડીએમ (ભક્ત સમૂદાય વિકાસ મંત્રાલય) એ પુરુષોત્તમ માસ માટે એક નવી વેબસાઇટ શરૂ કરી છે, અને તેમણે પુરુષોત્તમ માસ પડકારનું પણ આયોજન કર્યું છે. જો તમે હજી સુધી આ પડકારમાં જોડાયા નથી, તો હવે purusottamachallenge.com પર જઈને જોડાઈ શકો છો.
દામોદર માસમાં વ્યક્તિને એકસો ગણું ફળ મળે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં એક હજાર ગણું ફળ મળે છે! આ માસને નવા ઘર પ્રવેશ, લગ્ન અથવા અન્ય ભૌતિક શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં આવતો નથી, પરંતુ તે આધ્યાત્મિક ભક્તિમય સેવા માટે વિશેષ અનુકૂળ છે. તેથી હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ માસનો સંપૂર્ણ લાભ લેશે.
પ્રેરણાદાયક કથાઓ
જ્યારે હું યુકેમાં હતો, ત્યારે બર્મિંધમના ૨૪ કલાકના કીર્તન મહોત્સવમાં ૪,૦૦૦ કરતાં વધુ ભક્તો કીર્તનમાં ભાગ લઈ રહ્યા હતા. હું ભજન ક્લબિંગ દ્વારા આઉટરીચ પ્રચાર પર ભાર મૂકી રહ્યો છું, પરંતુ અહીં મેં આ ૨૪ કલાકના કીર્તન મહોત્સવને જોયો, જ્યાં દરેક વ્યક્તિ આનંદમાં કીર્તન અને નૃત્ય કરી રહ્યા હતા.
મને એ પણ જાણવા મળ્યું કે મારા શિષ્ય જગન્નાથ કીર્તનાનંદ દાસ પણ ભજન ક્લબિંગ જેવી જ કંઈક પ્રવૃત્તિ કરે છે. તેઓ ઘણા કીર્તન રિટ્રીટ્સનું આયોજન કરે છે, જ્યાં વિવિધ પ્રકારના ધર્મોના લોકો એકત્ર થઈને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. તેમણે કહ્યું કે યુકેની યુનિટેરિયન યુનિવર્સલિસ્ટ ચર્ચોના લોકો પણ તેમના કાર્યક્રમોમાં આવે છે. ઉપરાંત, કેટલાક એંગ્લિકન લોકો પણ તેમના કાર્યક્રમોમાં ભાગ લઈને કીર્તન અને નૃત્ય કરતા હતા. તેથી અમે ઇચ્છીએ છીએ કે લોકો પોતાના દેશમાં આ પ્રકારના આઉટરીચ કાર્યક્રમો કરે.
ભક્તો ઇંગ્લેન્ડના વિવિધ ભાગોમાં — જેમ કે લંડન, બર્મિંધમ, ઈસ્ટ લંડન, ન્યૂકાસલ, રીડિંગ, લીસેસ્ટર વગેરેમાં — ભક્ત સમૂદાય પ્રચાર કાર્યક્રમો પણ કરી રહ્યા છે. આ ભક્તો બહાર પૂર્ણ સમયની નોકરી કરે છે અને સાથે સાથે ભગવાન ચૈતન્યના આંદોલનના પ્રસાર માટે પોતાનો સમય, ધન અને શક્તિ સમર્પિત કરે છે. આ જ સાચું કેસીડીવી (કૃષ્ણભાવના દૈવ વર્ણાશ્રમ) છે!
મને આશા છે કે તમે સ્વસ્થ હશો અને આનંદમય કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત હશો.
આપનો સદૈવ શુભેચ્છક,
જયપતાકા સ્વામી
જેપીએસ/આરઆરએસડીબી