મધુસૂદન માસનો માસિક સંદેશ (૧૪ એપ્રિલ – ૧૨ મે ૨૦૨૫)

મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્રશિષ્યો અને શુભેચ્છકો,

કૃપા કરીને મારા યથાયોગ્ય આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારો. શ્રીલ પ્રભુપાદની જય.

મારા નિવાસ સ્થાન શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરથી લખાયેલ તારીખ: ૧૧ મે ૨૦૨પ

આજે ભગવાન નૃસિંહદેવનો અત્યંત શુભ આવિર્ભાવ દિવસ છે. માયાપુરમાં, ૧૯૮૬થી, આપણે પ્રહલાદ મહારાજ સાથે સ્થાણુ નૃસિંહદેવની પૂજા કરીએ છીએ. તેમનું સ્વરૂપ ઉગ્ર છે, ભયાનક છે, તેઓ સ્તંભમાંથી બહાર આવી રહ્યા છે અને હિરણ્યકશિપુ રાક્ષસને શોધી રહ્યા છે. પરંતુ ભક્તો માટે, તેઓ રક્ષક છે. હિરણ્યકશિપુ પોતાના પાંચ વર્ષના પુત્ર પ્રહલાદને મારી નાખવા તૈયાર હતો, પરંતુ પ્રહલાદ પોતાના બધા મિત્રો સાથે કૃષ્ણ ચેતનાનું વિતરણ કરતા હતા. શ્રીલ પ્રભુપાદે આપણને ભગવાન નૃસિંહદેવની પૂજાની પરિચય આપ્યો.

એક વખત, જ્યારે શ્રીલ પ્રભુપાદ બીમાર હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે ભક્તો ભગવાન નૃસિંહદેવને પ્રાર્થના કરી શકે છે કે આધ્યાત્મિક ગુરુનું સ્વાસ્થ્ય પુનઃપ્રાપ્ત થાય. આપણા પરમ ગુરુ, કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદે પણ યોગપીઠ મંદિરમાં ભગવાન નૃસિંહદેવની સ્થાપના કરી હતી. શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરે લખેલું એક વિશેષ ગીત છે જેમાં તેમણે ભગવાન નૃસિંહદેવને વિનંતી કરી છે કે કૃપા કરીને તમારા ચરણ-કમળ મારા મસ્તક પર મૂકો અને મને આશીર્વાદ આપો જેથી હું અહીં માયાપુર, નવદ્વીપ ધામમાં શ્રી શ્રી રાધા માધવની પૂજા કરી શકું. તો, ભગવાન નૃસિંહદેવની કૃપાથી, આપણે રાધા માધવની પૂજા કરી શકીએ છીએ. મેં પ્રહ્લાદ નૃસિંહદેવ સમક્ષ મારા તમામ દીક્ષા શિષ્યો, આશ્રિત અને આકાંક્ષી શિષ્યો, પ્રશિષ્યો તથા શિક્ષા શિષ્યો માટે વિશેષ પ્રાર્થનાઓ કરી. હું પ્રાર્થના કરું છું કે તેમની ભક્તિ સેવામાં જે કોઈપણ અવરોધો હોય તે દૂર થાય અને તેઓ શુદ્ધ ભક્તિમય સેવામાં સ્થિર થાય. હું ઈસ્કોનના તમામ ભક્તો માટે પણ પ્રાર્થના કરું છું. હું શ્રી શ્રીમદ્ ભક્તિ ચારુ સ્વામીના શિષ્યો માટે (bcs.jpscare@gmail.com) અને શ્રી શ્રીમદ્ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના શિષ્યો માટે (gkg.jpscare@gmail.com) વિશેષ ઇમેઇલ આઈડી ધરાવું છું.

નૃસિંહદેવ ખૂબ દયાળુ છે. ભક્તો કહે છે કે મારી સ્ટ્રોક પછીની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તી પણ ભગવાનની કૃપા હતી. જે ન્યુરોલોજિસ્ટ્સ મને સારવાર આપી રહ્યા હતા, તેમણે કહ્યું કે તેમણે ક્યારેય મારા પ્રકારના સ્ટ્રોકથી કોઈને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થતા જોયું નથી. તેમણે મને ચમત્કારિક મામલો માન્યો.

અક્ષય તૃતીયાના દિવસે, હું દીઘામાં જગન્નાથ ધામ મંદિરના ઉદ્ઘાટન માટે હાજર હતો. શ્રીલ પ્રભુપાદે મને ઘણા નિર્દેશો આપ્યા હતા. કેટલાક તો ગેંડાને ગોળી મારવા જેવા અશક્ય છે! પરંતુ શ્રીલ પ્રભુપાદે કહ્યુ, તેથી હું તેમને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેમણે મને આપેલા નિર્દેશોમાંથી એક હતો કે વિદેશી ભક્તોને જગન્નાથ પુરી મંદિરમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરવો. જ્યારે તેમણે સાંભળ્યું કે જન્મથી હિન્દુ ન હોય તેવા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી, ત્યારે તેમણે પોતે જ જવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, જો તેઓ ભગવાન ચૈતન્યને ભગવાન સ્વરૂપે સ્વીકારે છે, તો તેમને તેમના તમામ ભક્તોને પણ સ્વીકારવા જોઈએ. પ્રારંભિક દિવસોમાં, હું પુરીના એક શંકરાચાર્ય પાસે ગયો હતો. પરંતુ તેમણે મને કહ્યું કે ઉકળતા ઘી પીવો, મરો અને હિન્દુ તરીકે જન્મ લો! પછી થોડા વર્ષો પહેલા, મેં પુરીના રાજા ગજપતિ મહારાજને ફરીથી પત્ર લખ્યો. તો, છેલ્લા ૫૦ વર્ષથી વધુ સમયથી, મેં વિવિધ માર્ગો અજમાવ્યા છે અને ઘણા પ્રભાવશાળી લોકોને સંપર્ક કર્યો છે. પરંતુ દૈતપતિઓમાંથી એક જણાએ જણાવ્યું કે તેમના શાસ્ત્રોમાં લખ્યું છે કે જો વિદેશી ભક્તો આવે, તો તેમની ભક્તિ એટલી આકર્ષક હશે કે ભગવાન જગન્નાથ મંદિર છોડીને તેમના સાથે જઈ શકે છે. પરંતુ હવે, અમારી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી, શ્રીમતી મમતા બેનર્જીએ દીઘા, પશ્ચિમ બંગાળમાં એક પ્રતિરુપ જગન્નાથ મંદિર બનાવ્યું છે. દીઘા ગૌર મંડલ ભૂમિમાં છે અને જગન્નાથ પુરી શ્રી ક્ષેત્રમાં છે. આર્કિટેક્ટે કહ્યું કે જગન્નાથ પુરી મંદિર અને દીઘા જગન્નાથ ધામના સ્થાપત્યમાં માત્ર ૧૫ મિમીનો તફાવત છે!

અહીં ત્રણ અર્ચાવિગ્રહ છે, એક મોટા જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શન અને બીજા નાના જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શન અને રાધા મદનમોહન. પુરીથી આવેલા પંડાઓએ નાના જગન્નાથ અર્ચાવિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા કરી. બાકીના અર્ચાવિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ મેં કરી.

જગન્નાથ પુરીમાં, એક ગરૂડ પક્ષીએ મંદિરના સુદર્શન ચક્ર પર બંધાયેલો ધ્વજ લીધો અને ઘડિયાળની દિશામાં અને પછી ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં મંદિરની પરિક્રમા કરી. ત્યારબાદ, ગરૂડ પક્ષીએ ધ્વજ પુરીના રહેવાસીની છત પર ફેંક્યો, પછી તે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીની વિનંતી પર તેને દીઘા લાવ્યો અને તે જ ધ્વજ દીઘા મંદિર પર ફરકાવવામાં આવ્યો! હું કલ્પના પણ કરી શકતો નહોતો કે ભગવાન જગન્નાથ એટલા દયાળુ હશે!

મુખ્યમંત્રીએ મંદિર બનાવ્યું અને ઈસ્કોનને અનિવાર્ય કરાર હેઠળ પૂજા માટે આપ્યું. ઈસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ‌ શ્રી રાધારમણ દાસે આ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. પુરીમાં, સેવા માટે હજારો પંડાઓ છે. પરંતુ અમને દીઘામાં સેવક ભક્તોની જરૂર છે. આપણે મૂર્તિઓની પૂજા કરી શકીએ છીએ, કીર્તન કરી શકીએ છીએ, પુસ્તકોનું વિતરણ કરી શકીએ છીએ, પ્રસાદનું વિતરણ કરી શકીએ છીએ, તેથી સેવા અને પ્રચાર માટે ઘણા અવસરો છે. જે લોકો ત્યાં જઈને સેવા કરવા ઇચ્છે છે, તેમને રહેવા માટે જગ્યા અને પ્રસાદ આપવામાં આવશે. આશ્ચર્યજનક છે, તેઓ અમને પુરી મંદિરમાં પ્રવેશ ન આપતા, પરંતુ દીઘામાં એક આબેહૂબ પ્રતિરુપ જગન્નાથ મંદિર આપ્યું છે! અને પૂજાની જવાબદાર આપણી છે! મેં ઘણા વિદેશી ભક્તોને પણ આ મંદિરમાં આવીને થોડીવાર સેવા કરવા માટે પ્રોત્સાહિત કરતા પત્ર લખ્યા છે. જો તમે મંદિરમાં કોઈ સેવા લેવા માટે રસ ધરાવતા હોય તો કૃપા કરીને +૯૧ ૮૩૬૯૯૬૦૭૩૬ પર શ્રીમાન તુલસીપ્રિય દાસનો સંપર્ક કરો . જેથી તેઓ તમને તે માટે સુવિધા આપી શકે.

આ મહિનામાં, હું બાંગ્લાદેશના બાશખાલી‌, ચટ્ટોગ્રામ ખાતે ગદાધર પંડિત ધામમા, ગદાધર પંડિતના આવિર્ભાવ દિવસના ઉત્સવમાં હાજર રહ્યો હતો. મેં ઝૂમ પર કાર્યક્રમ જોયો, અને મેં સાંભળ્યું કે લગભગ ૪૦૦૦ લોકો ઉત્સવમાં હાજર રહ્યા હતા.

આ વૈશાખ મહિનો છે, અને તે વર્ષના ત્રણ શુભ મહિનાઓમાંનો એક છે. ગૌરાંગી ગંધર્વિકા દેવી દાસીએ, ભક્ત સમૂદાય વિકાસ‌ મંત્રાલય, ભક્તિ કિડ્સ હેઠળ, વૈશાખ માસ ચેલેન્જનું આયોજન કર્યું. તેમણે ૮૫૦ ભાગ લેનારાઓને રોજિંદા નિશ્ચિત સંખ્યામાં જપ કરવા, કીર્તનમાં સક્રિય રીતે ભાગ લેવા, શ્લોકો શીખવા, વર્ગો સાંભળવા અને વિવિધ અન્ય ભક્તિમય સેવાઓ કરવા માટે પ્રતિબદ્ધ કર્યા. દરેક દિવસે, તેમને અલગ અલગ પડકાર આપવામાં આવ્યા. ૨૦% ભાગ લેનારાઓ કૃષ્ણભાવનામૃતમાં નવા હતા.

આજે, નૃસિંહ ચતુર્દશીના શુભ દિવસે, મેં ભગવાન નિત્યાનંદના ચરણ-કમળ પદચિહ્નોની અભિષેક વિધિ કરી જેને અરુપ્પુકોટ્ટાઈ, મદુરાઈ, તમિલનાડુમાં સ્થાપિત કરવામાં આવશે. અહીં નિત્યાનંદ પ્રભુએ મુલાકાત લીધી હોવાનો પુરાવો છે.

હું તમને કહેવા માગું છું કે દીક્ષા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, પરંતુ એકવાર તમે તેને સ્વીકારી લો, ત્યારબાદ તમારે તેને જીવનભર અનુસરવી જ પડશે. દીક્ષા સમયે ગુરુ શિષ્યને ભગવાનના ધામ પર પાછા લઇ જવાની જવાબદારી સ્વીકારે છે, અને શિષ્યની જવાબદારી છે ખાસ કરીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો, ઓછામાં ઓછી દૈનિક ૧૬ માળા કરવી અને ચાર નિયામક સિદ્ધાંતોનું પાલન કરવું. તો જો તમે આ બધું અનુસરો તો તમારું આ જીવન પૂર્ણ થયા પછી આપમેળે આધ્યાત્મિક જગતમાં પરત જવાનું નિશ્ચિત છે, અને ફરી જન્મ અને મૃત્યુના ચક્રમાં પાછા આવવાની જરૂર રહેતી નથી. હું જોઉં છું કે ઘણા યુવાનો આ પ્રક્રિયા અપનાવવા અને દીક્ષા લેવા માટે પ્રેરિત થાય છે. પરંતુ પછી ધીમે ધીમે તેઓ અભ્યાસ, પરીક્ષાઓ વગેરેમાં વ્યસ્ત થઇ જાય છે, અને કહે છે કે તેઓને રોજની ૧૬ માળા પૂર્ણ કરવા માટે સમય નથી. તેથી હું આ ઉપર ભાર મૂકુ છું કે જયારે તમે ભગવાનની સમક્ષ, અગ્નિની સમક્ષ, શ્રીલ પ્રભુપાદની સમક્ષ, આધ્યાત્મિક ગુરુ અને અન્ય વૈષ્ણવોની સમક્ષ પ્રતિજ્ઞા લો છો, ત્યારે તે જીવનભર માટે પાલન કરવાની જ રહે છે.

ક્યારેક ભક્તો મને પૂછે છે કે ભગવાનના ધામ પર પાછા જવા માટે દ્વિતીય દીક્ષા લેવી જરૂરી છે કે નહીં. એકવાર શ્રીલ પ્રભુપાદે મારો હાથ પકડીને મને કહ્યું હતું, “પ્રથમ દીક્ષા માટે થોડી ઢીલાશ રાખી શકાય છે, પરંતુ દ્વિતીય દીક્ષા માટે ખૂબ જ કડક રહેવું જોઈએ.” ગુરુના માર્ગદર્શન હેઠળ હરે કૃષ્ણનો જપ કરીને પણ ભગવાનના ધામ પર પાછા જઈ શકાય છે, પરંતુ જો કોઈ દ્વિતીય દીક્ષા લે છે અને પોતાની સાધનામાં ખૂબ જ ગંભીર અને સતર્ક રહે છે, તો તે મનને એકાગ્ર કરવામાં અને કૃષ્ણ પ્રતિ વધુ જાગૃત થવામાં મદદરૂપ થાય છે, અને તે સ્થાપિત અર્ચાવિગ્રહોની પૂજા કરવાનો લાભ પણ આપે છે. પરંતુ એ સાથે વધુ જવાબદારી પણ આવે છે, કારણ કે બ્રાહ્મણ વધારે જાણકાર અને અનુભવી હોવો જોઈએ. તેથી જો તેઓ બેદરકાર થાય તો વધુ પ્રતિક્રિયાઓ (ફળ) મળવાનું જોખમ રહે છે. તેથી દ્વિતીય દીક્ષા લેતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. હું ઇચ્છું છું કે મારા બધા શિષ્યો ગંભીર બને અને દ્વિતીય દીક્ષા લે, છતાં પણ ભગવાનના ધામ પર પાછા જવા માટે તે આવશ્યક નથી.

થોડા દિવસો પહેલા મેં મારી ભક્તિ-સાર્વભૌમ ડિગ્રીની પરીક્ષાઓ ફરીથી શરૂ કરી. હાલમાં હું ચૈતન્ય ચરિતામૃત આદિ લીલાના પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. મારા ઘણા શિષ્યો પાસેથી મને અદ્યતન જાણકારી મળી છે કે તેમણે પોતાનુ ભક્તિ-શાસ્ત્રી પૂર્ણ કર્યુ છે, અને હવે ભક્તિ-વૈભવ કરવાના માટે પ્રેરિત થયા છે. તેમના કેટલાકે કહ્યું કે તેઓ રોજ ભગવદ્ ગીતા વાંચે છે અને તત્વજ્ઞાન જાણે છે તો પ્રમાણપત્રની શું જરૂર છે એમ વિચારતા હતા. પરંતુ જ્યારે તેમણે વર્ગ અને પરીક્ષાઓ આપી, ત્યારે તેમણે વધુ ધ્યાન આપ્યું અને ઘણી નવી બાબતો જાણવા મળી. તેથી હું ખુશ છું કે મારા શિષ્યો શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું પદ્ધતિસર અધ્યયન કરવા અને પરીક્ષા આપવા માટે પ્રેરિત થઇ રહ્યાં છે. સારું થાય જો દરેક જણ શ્રીલ પ્રભુપાદની પુસ્તકોમાં નિપુણ બને. સ્ટ્રોકને કારણે હું સારી રીતે લખી શકતો નથી. પરંતુ હું સાંભળી શકું છું. દરરોજ રાત્રે જય રાધાકૃષ્ણ દાસ બ્રહ્મચારી મારા માટે ચૈતન્ય ચરિતામૃત વાંચે છે. મુંબઈની બીબીટીએ ‘ટ્રાન્સેન્ડ’ નામનું ઍપ બનાવ્યું છે. એમાં અંગ્રેજી સહિત તમામ ભારતીય ભાષાઓ છે. તેથી જો કોઈ લખી ન શકે તો પણ શાસ્ત્રો સાંભળી અને મૌખિક પરીક્ષા આપી શકે છે.

જો તમે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો, શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ કરો અને સમજાવી શકો તો ઘણાં ભક્તો બનશે. આપણે ગોષ્ઠાનંદી છીએ, અને વધુમાં વધુ ભક્તો વધારવા માગીએ છીએ. આપણે ઇચ્છીએ છીએ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા આખા બ્રહ્માંડમાં અનંત રીતે પ્રસરે. તેથી તમારે હંમેશાં વિચારવું જોઈએ કે તમે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકો. આ અત્યંત મુશ્કેલ નથી. જો કોઈ સતત વિચારે કે ભગવાનની કેવી રીતે સેવા કરી શકાય, તો તે હંમેશાં પૂર્ણ આનંદમાં રહે છે. તો જો આપણે હંમેશાં પ્રયત્ન કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણની કેવી રીતે સેવા કરીએ, તો એ સર્વોત્કૃષ્ટ છે.

તમે રોજ ભગવાન નૃસિંહદેવને રક્ષણ માટે પ્રાર્થના પણ કરી શકો છો. તેઓ એટલા શક્તિશાળી છે કે કોઈપણ અશુભ તત્વોનો નાશ કરે છે.

હંમેશાં હરે કૃષ્ણ નામનો જપ કરો, પંચ તત્ત્વની, કૃષ્ણની સેવા કરો અને કૃષ્ણનુ ચિતન કરો!

તમારો સદૈવ શુભેચ્છક,
જયપતાકા સ્વામી

જેએપીએસ/એસએસડીબી