
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથાયોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મુખ્ય કેન્દ્ર: શ્રી માયાપુર ચંદ્રોદય મંદિર
શિબિર: ઈસ્કોન ભદ્રક
તારીખ: ૧૯ માર્ચ ૨૦૨૬
વિશેષતાઓ
ગઈકાલે અમે શ્રી શ્રી રાધા ગોવિંદ, શ્રી શ્રી ગૌર ગોપાલ જીયુ અને પતિતપાવન જગન્નાથજીના અર્ચાવિગ્રહની સ્થાપના માટે ઈસ્કોન ભદ્રક પહોંચ્યા. ગઈકાલે સાંજે ‘નેત્રોન્મીલન’ નામની વિધિ થઈ, જેમાં મંત્રોચ્ચાર અને ઘી અર્પણ કરવા સાથે અર્ચાવિગ્રહના નેત્ર કમળ ખોલવામાં આવ્યા. આજે અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી. સ્થાપના સમારંભ માટે ઘણા સંન્યાસીઓ પણ ઉપસ્થિત હતા. મંદિર ખૂબ મોટું છે – બહુ વિશાળ છે, અને અર્ચાવિગ્રહ અત્યંત સુંદર છે.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ વૃંદાવન જવાના તેમના પ્રથમ પ્રયાસ દરમિયાન રામાનંદ રાય સાથે ભદ્રકના દર્શન કર્યા હતા. મંદિરની પાછળ એક નદી છે જ્યાં ભગવાન ચૈતન્યએ સ્નાન કર્યું હતું. શ્રીલ ભક્તિવિનોદ ઠાકુર પણ અહીં ઘણા વર્ષો સુધી રહ્યા હતા. તેથી આ સ્થાન આપણાં માટે ખૂબ જ વિશેષ છે.
ગૌર ગોપાલ મંદિર ૧૯૭૭ માં ઈસ્કોન અંતર્ગત નોંધાયેલું હતું. શ્રીલ પ્રભુપાદે વ્યક્તિગત રીતે તે જમીન સ્વીકારી હતી કે જે શ્રી સચિદાનંદ મોહંતીએ દાનમાં આપી હતી.
મને યાદ અપાવવામાં આવ્યું કે ૧૯૭૮ માં મેં આ ગૌર ગોપાલ મંદિરમાં પ્રથમ દીક્ષા સમારંભ કર્યો હતો અને ત્રણ ભક્તોને મારા શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.
આધ્યાત્મિક સફારીના ભક્તો પણ અહીં ઉપસ્થિત છે. અમે ૧૯૮૦ ના દાયકામાં આધ્યાત્મિક સફારી શરૂ કરી હતી. અમે ગૌર પૂર્ણિમા પછી સફારી શરૂ કરીએ છીએ અને લગભગ ૨૧ દિવસ સુધી રામ નવમી સુધી વિવિધ સ્થળોની યાત્રા કરીએ છીએ. દર વર્ષે અમે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યાં જ્યાં ગયા હતા તે પવિત્ર સ્થળોની મુલાકાત લઈએ છીએ, અને આ વર્ષે સફારી ગૌર મંડળમાં છે, જ્યાં બંગાળના વિવિધ સ્થળોએ ભગવાન ચૈતન્યના ચરણ-કમળ ચિન્હોની સ્થાપના કરવામાં આવી રહી છે.
ગયા અઠવાડિયે અમે શ્રીવાસ ઠાકુરનો આવિર્ભાવ દિવસ ઉજવ્યો હતો. તેઓ ભગવાન ચૈતન્યના વિશેષ સહચર હતા અને ભગવાન ચૈતન્યએ તેમના ઘરમાં ગુપ્ત કીર્તન લીલાઓ કરી હતી. સંકીર્તન દરમિયાન ભગવાન ચૈતન્ય ઘણા અદ્ભુત આધ્યાત્મિક ભાવો પ્રગટ કરતા હતા. ક્યારેક તેઓ સંપૂર્ણ બ્રહ્માંડ જેટલા ભારે બની જતા, છતાં નૃત્ય કરતાં કરતાં પાંચથી દસ ફૂટ જેટલા ઊંચા કૂદી પડતા અને જ્યારે જમીન પર ઉતરતા ત્યારે ભૂકંપ જેવો આંચકો અનુભવાતો. બીજી વખત તેઓ કપાસ જેટલા હળવા બની જતા અને ભક્તો તેમને માત્ર એક આંગળીથી ઉચકી લઈને પોતાના માથા ઉપર લઈ જઈ શકતા. તેમના શરીરના તાપમાનમાં પણ અદભૂત ફેરફાર થતો. ક્યારેક એટલું ગરમ થઈ જતું કે ચંદનનો લેપ તવા પરના પાણીની જેમ તરત સુકાઈ જતો, અને ક્યારેક એટલું ઠંડું થઈ જતું કે તેમના સ્પર્શથી ભક્તોના હાથ ઠંડા પડી જતા. આ રીતે શ્રીવાસ ઠાકુરના ઘરમાં સંકીર્તન કરતી વખતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ અનેક પ્રકારના દિવ્ય આધ્યાત્મિક ભાવો પ્રદર્શિત કર્યા.
શ્રીલ પ્રભુપાદનો સંદેશ
દરરોજ રાત્રે હું પવિત્ર નામની મહિમા વિશે વાંચું છું. શ્રીલ પ્રભુપાદ હંમેશા દરરોજ ૧૬ માળા જપ કરવાની મહત્વતા પર ભાર મુકતા હતા.
“જ્યાં સુધી તમારા સમયની વ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે – આપનું પ્રથમ કાર્ય દરરોજ નિયમિત રીતે ૧૬ માળા પૂર્ણ કરો.” (કીર્તનાનંદને પત્ર, લોસ એન્જેલેસ, ૨ ડિસેમ્બર ૧૯૬૮)
“શાસ્ત્રોમાં ઘણા નિયમો અને આધ્યાત્મિક ગુરુ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો છે. આ બધા નિયમોનો મૂળ સિદ્ધાંત એ છે કે વ્યક્તિએ હંમેશા કૃષ્ણને યાદ રાખવા અને ક્યારેય તેમને ભૂલવા નહીં. આ હરે કૃષ્ણ મહામંત્રના જપ દ્વારા શક્ય બને છે. તેથી વ્યક્તિએ કડકપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. આધ્યાત્મિક ગુરુના નિર્દેશ મુજબ અન્ય કર્તવ્યો હોવા છતાં, પહેલા નિશ્ચિત સંખ્યાની માળા જપ કરવાનો આદેશ પાલન કરવો જોઈએ. આપણા કૃષ્ણભાવનામૃત આંદોલનમાં નવા ભક્તો માટે ઓછામાં ઓછી ૧૬ માળા જપ કરવાની ભલામણ કરવામાં આવી છે. કૃષ્ણને યાદ રાખવા અને તેમને ન ભૂલવા માટે આ ૧૬ માળાનો જપ અત્યંત આવશ્યક છે. તમામ નિયમોમાંથી આધ્યાત્મિક ગુરુનો ૧૬ માળા જપ કરવાનો આદેશ સૌથી મહત્વનો છે.”
(ચૈતન્ય ચરિતામૃત મધ્ય ૨૨.૧૧૩ તાત્પર્ય)
“સોળ માળા… માત્ર બે કલાક લાગે છે. સોળ માળા એટલે લગભગ બે કલાક… એટલે ૨૪ કલાકમાંથી બે કલાક કૃષ્ણ માટે આપવા જોઈએ.” (પ્રાતઃકાલીન ભ્રમણ, સ્ટો લેક, સાન ફ્રાન્સિસ્કો, ૨૩ માર્ચ ૧૯૬૮)
“ચૈતન્ય મહાપ્રભુ દરરોજ નિશ્ચિત સંખ્યામાં પવિત્ર નામનો જપ કરતા હતા. ગોસ્વામી પણ ચૈતન્ય મહાપ્રભુના પદચિહ્નોનું અનુસરણ કરતા હતા અને હરીદાસ ઠાકુરે પણ આ સિદ્ધાંતનું પાલન કર્યું. અન્ય કર્તવ્યો સિવાય, ચૈતન્ય મહાપ્રભુએ દરરોજ નિશ્ચિત સંખ્યામાં પવિત્ર નામ જપ કરવાની પદ્ધતિ શરૂ કરી. તેઓ પોતાની આંગળીઓ પર ગણતરી કરતા, જેમ કે આ શ્લોકમાં પુષ્ટિ કરવામાં આવી છે (તોમાર દુઇ હસ્ત બદ્ધ નામ-ગણને). એક હાથથી જપ કરતા અને બીજા હાથથી માળાની ગણતરી રાખતા. તેથી ચૈતન્ય મહાપ્રભુની પરંપરાના ભક્તોએ દરરોજ ઓછામાં ઓછી ૧૬ માળા જપ કરવી જોઈએ, અને આ સંખ્યા આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે.” (ચૈતન્ય ચરિતામૃત મધ્ય ૭.૩૭ તાત્પર્ય)
મારો સંદેશ
મને કેટલાક પત્ર મળ્યા જેમાં લખ્યું હતું કે તેમણે તેમના જપ ઓછા કરી દીધા છે અને શું તે યોગ્ય છે કે નહીં.
તેથી હું મારા શિષ્યોને યાદ અપાવું છું કે દીક્ષા સમયે તમે દરરોજ ૧૬ માળા જપ કરવાની અને ચાર નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
હરિદાસ ઠાકુર દરરોજ કૃષ્ણના ૩,૦૦,૦૦૦ નામોનો જપ કરતા હતા – જેમાંથી ૧,૦૦,૦૦૦ ઉચ્ચ અવાજે, ૧,૦૦,૦૦૦ ધીમા અવાજે અને ૧,૦૦,૦૦૦ મનમાં જપ કરતા હતા. આપણે તો માત્ર લગભગ ૨૫,૦૦૦ નામો એટલે કે ૧૬ માળા જપ કરીએ છીએ. તેથી શક્ય હોય તેટલો ઉચ્ચ અવાજે જપ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
હું દરરોજ શ્રી નામામૃત પુસ્તક વાંચું છું અને શ્રીલ પ્રભુપાદે જણાવ્યું છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ એટલો લાભદાયક છે કે કળિયુગમાં ઘણા દોષ હોવા છતાં એક મહાન ગુણ એ છે કે માત્ર હરે કૃષ્ણના જપથી માણસ આધ્યાત્મિક ધામમાં પાછો જઈ શકે છે. તેથી કોઈ પણ રીતે – ઉચ્ચ અવાજે, ધીમા અવાજે કે મનમાં – આપણે ૧૬ માળા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હરે કૃષ્ણ મહામંત્ર વ્યક્તિને કળિયુગના પ્રભાવથી પણ રક્ષણ આપે છે.
શક્ય હોય ત્યાં સુધી માળા પર જપ કરો. પરંતુ જો શક્ય ન હોય તો કાઉન્ટર મશીન પર જપ કરો. કોઈ પણ રીતે દરરોજ હરે કૃષ્ણના ૧,૭૨૮ મંત્ર એટલે કે ૧૬ માળા પૂર્ણ કરો. વચ્ચે વચ્ચે પંચતત્વ મંત્રનો જપ કરીને તેમના આશીર્વાદ મેળવો અને તમારી ગણતરી પૂર્ણ કરો. આ રીતે વૃદ્ધાવસ્થા, બીમારી અથવા અન્ય પરિસ્થિતિમાં પણ વ્યક્તિ કોઈને કોઈ રીતે હંમેશા જપ કરી શકે છે. જ્યારે જપની ગુણવત્તા સારી ન હોય ત્યારે કૃષ્ણ પાસે ક્ષમા પણ માંગી શકાય.
હું પણ ઘણી શારીરિક મુશ્કેલીઓનો સામનો કરું છું. છતાં હું કોઈને કોઈ રીતે હંમેશા ૧૬ માળાથી વધુ જપ કરું છું.
તેથી મારા બધા શિષ્યોને મારી વિનંતી છે કે તમે કોઈપણ પરિસ્થિતિમાં જપ ચાલુ રાખો, કારણ કે જપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રેરણાદાયક કથાઓ
હું આપ સૌ સાથે ઈસ્કોન સાઉથ બેંગલુરુના ભક્તો દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રીમદ્ ભાગવતમના વિતરણ વિશેનો એક ખૂબ પ્રેરણાદાયક અહેવાલ શેર કરવા માંગું છું. બે વર્ષ પહેલા ઈસ્કોન સાઉથ બેંગલુરુના ભક્તોએ હર ઘર ભાગવતમ્ અભિયાન શરૂ કર્યું હતું, એટલે કે “દરેક ઘરમાં ભાગવતમ્”, જે શ્રીલ પ્રભુપાદને પ્રસન્ન કરવા માટે સમર્પિત હતું. તેમણે નાના અને મધ્યમ કદના ઇસ્કોન મંદિરોમાં સતત બે વર્ષ સુધી ભાગવતમ્ વિતરણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
આ અભિયાનનો પ્રભાવ માત્ર બેંગલુરુ સુધી મર્યાદિત નથી. ભક્તો નિયમિત રીતે ભારત અને વિશ્વના અન્ય ઈસ્કોન મંદિરોના સભ્યો સાથે ઝૂમ બેઠક કરીને તેમને ભાગવતમ્ વિતરણને વ્યક્તિગત સેવા તરીકે સ્વીકારવા માટે પ્રેરિત કરે છે.
પરિણામો અદ્ભુત રહ્યા છે. તેમણે ૧૦૦૦ થી વધુ ભાગવતમ્ સેટ વિતરણ કર્યા છે. તેમણે ભાગવતમ્ વિતરણ માટે એક સુવ્યવસ્થિત પદ્ધતિ પણ વિકસાવી છે અને શ્રીમદ્ ભાગવતમ્ સેટ વિતરણ માટે ૧૦૮ વિચારોની એક પુસ્તિકા તૈયાર કરી છે, જે છ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમજ ભાગવતમ્ આધારિત એક કેલેન્ડર પણ તૈયાર કર્યું છે, જે નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
આ અભિયાનની એક વિશેષ વાત એ છે કે તેઓ ડિસ્કાઉન્ટ, ભેટ અથવા શાસ્ત્ર દાન આપતા નથી. તેના બદલે તેઓ લોકોને શ્રીમદ્ ભાગવતમ્ ની મહિમા વિશે સમજાવે છે અને તેમને સંપૂર્ણ કિંમતે પુસ્તક લેવા માટે પ્રેરિત કરે છે. વધુ માહિતી માટે તમે jaganmohanagopaladasa@gmail.com પર લખી શકો છો.
અને ઈસ્કોન શેષાદ્રિપુરમ જગન્નાથ મંદિરના ભક્તોએ મને જણાવ્યું કે તેમને નાના મંદિરોની શ્રેણીમાં ભારત તેમજ સમગ્ર વિશ્વમાં પુસ્તક વિતરણ માટે ત્રીજું સ્થાન મળ્યું છે. આ અહેવાલો મેળવીને મને ખૂબ આનંદ થયો.
મને આશા છે કે જ્યારે તમે આ સંદેશ વાંચો, ત્યારે તમે સ્વસ્થ હશો અને આનંદમય કૃષ્ણ ભાવનામૃતમા સ્થિત હશો.
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી
જેપીએસ/આરઆરએસડીબી