
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથા-યોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મારા મુખ્ય કેન્દ્ર: શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરથી લિખિત
તારીખ: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬
મુખ્ય મુદ્દાઓ
આજે પૂર્ણિમા છે, અને આગામી પૂર્ણિમા ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો પ્રાકટ્ય દિવસ હશે. શ્રી માયાપુર-ધામ ઉત્સવ માટે તૈયાર થઈ રહ્યું છે. તાજેતરમાં, અમે અદ્વૈત સપ્તમી, વરાહ દ્વાદશી, અને નિત્યાનંદ ત્રયોદશી ઉજવી.
આજે સ્ટેરોઇડ સારવારમાંથી ધીમે-ધીમે બહાર આવવાનો મારો આઠમો દિવસ છે. નેફ્રોલોજિસ્ટની સલાહ મુજબ, હું બે અઠવાડિયા સુધી સ્ટેરોઇડની ઊંચી માત્રા પર હતો, અને હવે તે ધીમે-ધીમે ઘટાડવામાં આવી રહી છે. આ સમય દરમિયાન, હું રાત્રે બહુ ઊંઘી શક્યો નહોતો, જે દવાના દુષ્પ્રભાવોમાંથી એક છે, જેના વિશે મને અગાઉથી જણાવવામાં આવ્યું હતું. તેથી હું શ્રીલ પ્રભુપાદે મને આપેલા ઉપદેશો વિશે અને કૃષ્ણભાવનામૃતને અમર્યાદીત રીતે કેવી રીતે ફેલાવવું તે વિશે વિચારતો હતો. શ્રીલ પ્રભુપાદ ક્યારેક મને રાત્રે ૧:૦૦ અથવા ૨:૦૯ વાગ્યે કંઈક કહેવા માટે ફોન કરતા હતા. તેથી હવે હું ક્યારેક રાત્રિના મધ્યમાં અથવા વહેલી સવારે, જ્યારે પણ વિચારો આવે, ત્યારે સંદેશો બોલીને લખાવું છું અને તેને મારા પત્રવ્યવહાર સચિવને મોકલું છું. મને ખબર નથી કે મારી પાસે કેટલો સમય બાકી છે, તેથી હું શ્રીલ પ્રભુપાદની સેવા કરવા અને તેમને પ્રસન્ન કરવાની કોઈપણ તક છોડવા માગતો નથી. વધુ કાર્યક્ષમ બનવા માટે હું મારા વિવિધ સચિવાલય અને સંયોજકોને પણ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
શ્રીલ પ્રભુપાદનો સંદેશ
શ્રીલ પ્રભુપાદે ઘણી વખત ભક્તોના ત્રણ પ્રકારો અથવા ભક્તિના મંચની ત્રણ અવસ્થાઓ—કનિષ્ઠ-અધિકારી, મધ્યમ-અધિકારી, અને ઉત્તમ-અધિકારી—નો ઉલ્લેખ કર્યો છે. ઉત્તમ-અધિકારી અથવા મહા-ભાગવત સર્વોચ્ચ હોય છે.
“કનિષ્ઠ-અધિકારી, અથવા વૈષ્ણવ જીવનની સૌથી નીચી અવસ્થામાં આવેલ ભક્ત, દૃઢ શ્રદ્ધા ધરાવે છે પરંતુ શાસ્ત્રોના નિષ્કર્ષોથી પરિચિત નથી. બીજી અવસ્થાનો ભક્ત, મધ્યમ-અધિકારી, શાસ્ત્રીય નિષ્કર્ષથી સંપૂર્ણ રીતે પરિચિત હોય છે અને પોતાના ગુરુ તથા ભગવાનમાં તેની દૃઢ શ્રદ્ધા હોય છે. તેથી તે અભક્તોથી દૂર રહી નિર્દોષોને ઉપદેશ આપે છે. પરંતુ મહા-ભાગવત અથવા ઉત્તમ-અધિકારી, જે ભક્તિમય જીવનની સર્વોચ્ચ અવસ્થામાં આવેલ ભક્ત છે, કોઈને પણ વૈષ્ણવ સિદ્ધાંતોના વિરોધમાં નથી જોતો, કારણ કે તે પોતાને છોડીને બધાને વૈષ્ણવ માને છે.” ચૈ. ચ. આદી લીલા ૭.૫૧ તાત્પર્ય.
“તો, દરેક વ્યક્તિમાં મહા-ભાગવત બનવાની શક્તિ છે, જો તે પ્રયત્ન કરે તો. સાધન-સિદ્ધ અને નિત્ય-સિદ્ધ. પ્રહ્લાદ મહારાજ નિત્ય-સિદ્ધ છે, અને સાધન-સિદ્ધ પણ હોય છે, જેમ કે આપણે છીએ. આપણે ભજન દ્વારા, સાધના દ્વારા, જીવનના સર્વોચ્ચ લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેથી કોઈપણ મહા-ભાગવતની અવસ્થાએ પહોંચી શકે છે, જો તે મહાજનનું અનુસરણ કરે.” પ્રવચન, શ્રીમદ્ ભાગવતમ્ ૭.૯.૪, ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૬, માયાપુર.
મારો સંદેશ
ક્યારેક શિષ્યો તેમની સમસ્યાઓ અને દુઃખો વિશે મને લખે છે. તેઓ એ વિચારતા નિરાશ થઈ જાય છે, કે ભક્તિમય સેવાનો અભ્યાસ કરવા છતાં તેઓ મુશ્કેલીઓનો સામનો કેમ કરે છે. પરંતુ ભક્તિમય સેવાનુ લક્ષ્ય કૃષ્ણને પ્રસન્ન કરવાનુ છે. આપણે ભગવાન કૃષ્ણ પાસે પાછા જવા માંગીએ છીએ. જ્યાં સુધી આપણે ભૌતિક જગતમાં છીએ, ત્યાં સુધી આ બાબતો ટાળી શકાય તેવી નથી. પરંતુ આપણે મહા-ભાગવતના સ્તર સુધી પહોંચવું છે. આપણે માયા સાથેનું આપણું યુદ્ધ લડવું છે અને વિજયી બનવું છે.
અત્યારે, મુશ્કેલીઓના સમયમાં સાચા અર્થમાં કૃષ્ણ પર નિર્ભર રહેવું, કૃષ્ણનું શરણ લેવુ, આપણા માટે શ્રેષ્ઠ તાલીમ છે: વધુ તીવ્રતાથી જપ કરવો, પૂર્ણ ધ્યાન સાથે ગાયત્રી મંત્રનો જપ કરવો, વધુ સાવધાનીપૂર્વક શ્રવણ કરવું, શાસ્ત્રોનું વાંચન કરવું, અને પોતાને ભક્તિમય સેવામાં સંપૂર્ણ રીતે તલ્લીન કરવું.
જો આપણે મુશ્કેલીના સમયે ભગવાન કૃષ્ણ પર નિર્ભર રહેવું શીખી જઈએ, તો મૃત્યુના સમયે, જ્યારે આપણે આપણી અંતિમ પરીક્ષાનો સામનો કરીશું, ત્યારે આપણે સહેજતાથી કૃષ્ણને શરણાગત થઈ શકીશું, અને પછી આપણે કૃષ્ણ પાસે પાછા જઈશું.
શ્રીલ પ્રભુપાદ ઈચ્છતા હતા કે આપણે તેમના પુસ્તકોનું દૈનિક વાંચન કરીએ અને તેનો એવી રીતે અભ્યાસ કરીએ જેમ કોઈ વકીલ કાયદાના પુસ્તકોનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું હતું કે આપણે બધું જાણવું જોઈએ—અધ્યાય અને શ્લોક સહિત.
મને વિવિધ શારીરિક સમસ્યાઓ છે. એક આયુર્વેદિક વૈદ્યે વિનમ્રતાપૂર્વક મને કહ્યું કે મારું શરીર રોગોનું સંગ્રહાલય છે. પરંતુ હું ૫૮ વર્ષોથી કૃષ્ણભાવનામૃતનો અભ્યાસ કરી રહ્યો છું, અને વિવિધ સેવાઓ કરવા માટે હું અત્યંત ઉત્સાહી છું.
ગયા પખવાડિયામાં, મેં હરે કૃષ્ણ મહા-મંત્રની ૪૧૩ માળા જપ કર્યો, એટલે કે પ્રતિદિન આશરે ૩૦ રાઉન્ડ. અને શ્રીલ પ્રભુપાદના પુસ્તકોને એક વાર વધુ વાંચ્યા પછી, હવે હું દૈનિક હરિ-ભક્તિ-વિલાસનું વાંચન કરી રહ્યો છું.
પ્રેરણાદાયક વાર્તાઓ
મને પુસ્તક વિતરણ મેરાથોન મહિનાના ઘણા ઉત્સાહવર્ધક રિપોર્ટ્સ પ્રાપ્ત થયા. મિશિગનમાં, મારા શિષ્યો સંતુષ્ટ વ્રજનાથ દાસ, તુલસી સુગોપી દેવી દાસી, અને સચ્ચિદાનંદ ગિરિધારી દાસના નેતૃત્વ હેઠળ, બાળકો સહિત ૩૦ ગૃહસ્થ ભક્તોના એક સમૂહે ડિસેમ્બરમાં ૧૧,૬૩૧ પુસ્તકોનું વિતરણ કર્યું. તેમણે મિશિગનના સૌથી મોટા આઉટલેટ મોલોમાંથી એક, ગ્રેટ લેક્સ ક્રોસિંગ મોલમાં દરરોજ પુસ્તકોનું વિતરણ કર્યું. બહાર ભારે ઠંડી હોવાથી, તેમણે આ ઇન્ડોર તકનો ઉપયોગ પુસ્તક વિતરણ માટે કર્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે આ મને શ્રીલ પ્રભુપાદે આપેલા પ્રતિ માસ ૧૦,૦૦૦ મોટા પુસ્તકો વિતરણના ઉપદેશથી પ્રેરિત હતું. તેથી તેમણે સામૂહિક રીતે આ સેવા કરીને શ્રીલ પ્રભુપાદના ઉપદેશોને પૂર્ણ કરવામાં મારી મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. (https://iskconnews.org/10000-book-sankirtan-challenge-surpassed-at-michigan-mall/)
એક અન્ય શિષ્યાએ મને લખ્યું કે તેની ત્રણ વર્ષની દીકરી છે, તેથી તે બહાર જઈને શારીરીક રુપે પુસ્તક વિતરણ કરી શકી નહીં. તેથી તેણે ૧૦૮ ભગવદ્ ગીતા પ્રાયોજન મેળવવાનો સંકલ્પ લીધો, અને તેના સંપર્કો દ્વારા તે ૧૧૮ ભગવદ્ ગીતા માટે પ્રાયોજન મેળવવામાં સફળ થઈ.
આ રીતે, મને અનેક અહેવાલો પ્રાપ્ત થયા. ભક્તો પુસ્તક વિતરણ માટે વિવિધ રીતો શોધે છે તે અત્યંત પ્રેરણાદાયક છે, અને આ નિશ્ચિતપણે શ્રીલ પ્રભુપાદને પ્રસન્ન કરનારું છે.
હવે, ગૌર પૂર્ણિમા મહોત્સવ નજીક આવી રહ્યો છે, અને જીબીસી બેઠકઓ ૪ માર્ચથી શરૂ થશે. ટૂંક સમયમાં, ઘણા નેતાઓ અને હજારો ભક્તો માયાપુર પહોંચશે. ઇસ્કોનના વૈશ્વિક આધ્યાત્મિક મુખ્યાલય તરીકે, શ્રી માયાપુરના ભક્તોએ તમામ આગંતુક ભક્તોનું સ્વાગત કરવું જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ.
જય નિતાઈ. જય ગૌર.
આપનો સદૈવ શુભેચ્છક,
જયપતાકા સ્વામી
જેપીએસ/આરઆરએસડીબી
એપ, વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ માટેની લિંક:
આઈઓએસ એપ: https://apps.apple.com/us/app/id967072815
એન્ડ્રોઇડ એપ: https://play.google.com/store/apps/details?id=com.jayapatakaswami.jpsapp
સત્તાવાર વેબસાઇટ: https://www.jayapatakaswami.com
પ્રવચન (ઓડિયો અને ટ્રાન્સક્રિપ્શન): https://jayapatakaswamiarchives.net
યુટ્યુબ ચેનલ: http://youtube.com/jayapatakaswamiofficial
સાઉન્ડક્લાઉડ પ્રવચન અને કીર્તન: http://www.soundcloud.com/jayapatakaswami
ફેસબુક: http://www.facebook.com/Jayapatakaswami
ટેલીગ્રામ ચેનલ: https://t.me/JayapatakaSwami
વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaBTu8uIiRoqvPKige0G
ઇન્સ્ટાગ્રામ પેજ: http://www.instagram.com/Jayapatakaswamionline