
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથા-યોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મુખ્ય કેન્દ્ર: શ્રી માયાપુર ચંદ્રોદય મંદિર
શિબિર: ડલ્લાસ
તારીખ: ૩૦ મે ૨૦૨૬
મુખ્ય મુદ્દાઓ
હું હજુ પણ ડલાસમાં જ છું. મારે ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયેલા સાધુ-સંગ રિટ્રીટમાં જવાનું હતું, પરંતુ મારી તબિયતની પરિસ્થિતિને કારણે મારી આરોગ્ય ટીમે મને હાલમાં પ્રવાસ ન કરવાની સલાહ આપી. તેથી મેં તેમને એક ધ્વનિ મુદ્રિત કરેલો સંદેશ મોકલ્યો. હું ઈસ્કોન ડલાસ મંદિરે ગયો અને રવિવાર પ્રીતિભોજ કાર્યક્રમમાં પ્રવચન આપ્યું. અમે કેટલાક નવા વિકસિત પ્રચાર-વિડિયો પણ દર્શાવ્યા અને ભક્તો પાસેથી તેમના પ્રતિભાવો માંગ્યા. ત્યાં દીક્ષા સમારોહ પણ યોજાયેલો હતો.
મારી ત્વચાની સારવાર પૂર્ણ થઈ છે, અને ૧૧ જૂને મારી એક વધુ સારવાર બાકી છે. જ્યારે પણ હું સારવાર અથવા ડાયાલિસિસ માટે જાઉં છું, ત્યારે અમે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો અને પ્રસાદનું વિતરણ કરીએ છીએ, તેમજ લોકોને કૃષ્ણભાવના વિશે ચર્ચા પણ કરીએ છીએ. મારા એક ડૉક્ટર, જે ધાર્મિક ખ્રિસ્તી છે, તેમની સાથે ઈશ્વર-ચેતના વિષય પર મારી ખૂબ સરસ ચર્ચા થઈ. ઉપરાંત, અમે ઈ-મેઈલ દ્વારા પણ વિચારોની આપ-લે કરીએ છીએ, જેમાં ભગવાનની સેવા અને તેમના પવિત્ર નામના જપ વિશે ચર્ચા અને વહેંચણી કરીએ છીએ.
હું તમામ બેઠકોમાં પણ હાજરી આપું છું, ભલે ભારત સાથેના સમયના તફાવતને કારણે કેટલીક બેઠકો ખૂબ વહેલી સવારે હોય. તેમ છતાં, હું તમામ બેઠકોમાં જોડાવાનો અને શ્રીલ પ્રભુપાદની સેવાનું સતત પાલન કરવાનો પ્રયત્ન કરું છું.
આ સિવાય, હું દરરોજ ભક્તોને મળું છું. કેટલાક સ્થાનિક ભક્તો અને નેતાઓ પણ મળવા આવ્યા હતા. તેમણે તેમના પ્રચારકાર્યના અહેવાલો રજૂ કર્યા અને તેમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે મને માહિતગાર કર્યો.
શ્રીલ પ્રભુપાદનો સંદેશ
“…મુખ્ય વાત એ છે કે દરેક વ્યક્તિએ અત્યંત ગંભીર બનવું જોઈએ. આ એક ખૂબ જ ગંભીર કાર્ય છે… તેથી આપણામાં કોઈ કમી ન હોવી જોઈએ. જોકે, પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્ (ભગવદ્-ગીતા ૯.૨) — તમે જે કંઈ આધ્યાત્મિક પ્રગતિ કરો છો, તે ક્યારેય નષ્ટ થતી નથી. મારા ગુરુ મહારાજ આ મુદ્દા પર વિશેષ ભાર મૂકતા હતા. તેઓ કહેતા: ‘આગલા જન્મની રાહ ન જુઓ. આ જ જન્મમાં આ કાર્ય પૂર્ણ કરો.’ આ તેમની ભલામણ હતી. ખરેખર, તમે જે કંઈ કરો છો તે ક્યારેય વ્યર્થ જતું નથી. ધારો કે તમારે સો ગુણ મેળવવાના હોય અને તમે પચાસ કે સાઠ ગુણ સુધી પહોંચી ગયા હો, તો તે પ્રગતિ ક્યારેય ખોવાતી નથી.
આ હકીકત છે. પરંતુ પછી બાકી રહેલા ત્રીસ કે ચાલીસ ગુણ માટે બીજા જન્મની રાહ શા માટે જોવી? એ તો અનાવશ્યક તકલીફ છે. …દરેકે ખૂબ ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ કે આ જ જીવનમાં આપણે આ ‘સો ગુણ’ પૂર્ણ કરી લઈએ, અથવા એવી સેવા કરીએ કે જેના દ્વારા આપણે કૃષ્ણ પાસે, પોતાના સાચા ઘરે, ભગવાનના ધામમાં પાછા જઈએ.”
– શ્રીમદ્ ભાગવતમ્ ૬.૨.૪૫, જાન્યુઆરી ૨૯, ૧૯૭૧, પ્રયાગ
“મારી વિનંતી છે કે તમે તમારી ભક્તિમયસેવા અત્યંત નિષ્ઠાપૂર્વક અને દૃઢતાથી ચાલુ રાખો. તો આ જ જીવનમાં તમે કૃષ્ણના સાક્ષાત્ દર્શન કરી શકશો. આ નિર્વિવાદ સત્ય છે.” – વિદાય પ્રવચન, ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૫, કારાકાસ
મારો સંદેશ
શ્રીલ પ્રભુપાદે મને ૫૦,૦૦૦ થી વધુ શિષ્યો બનાવવાનો આદેશ આપ્યો હતો, અને તેની સાથે તમારાં સૌના ઉદ્ધારની જવાબદારી પણ આવે છે. મારી ઇચ્છા છે કે મારા બધા શિષ્યો ભગવાનના ધામમાં પાછા જાય.
૧૬ માળા જપ કરવા અને ચાર નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવા ઉપરાંત, મેં કેટલીક એવી બાબતોની ભલામણ કરી છે જે તમને મદદરૂપ થશે.
જો તમારી પાસે ગાયત્રી મંત્ર ન હોય, તો ત્રિસંધ્યા સમયે એક-એક માળા જપ કરો.
તમારી આવકનો ઓછામાં ઓછો ૧૧% ભાગ કૃષ્ણભાવનામૃત માટે અર્પણ કરો. તેમાં તમારી વ્યક્તિગત સેવાઓના ખર્ચ, દીક્ષા ગુરુને દાન, શિક્ષા ગુરુને દાન, સ્થાનિક મંદિરને દાન, ઈસ્કોનની વિવિધ યોજના માટેનું યોગદાન, શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો ખરીદવા વગેરેનો સમાવેશ થઈ શકે છે. પતિ અને પત્ની બંને જો કૃષ્ણભાવનામૃતમાં હોય, તો તેઓ સાથે મળીને નક્કી કરી શકે કે તેઓ કેવી રીતે યોગદાન આપશે. ઉદાહરણ તરીકે, જો તેઓ ૫૦ રૂપિયા અથવા ૫૦ ડોલરનું દાન આપવા માંગતા હોય અને ૧૦૦ લોકોને આપે, તો તે ૫,૦૦૦ રૂપિયા અથવા ૫,૦૦૦ ડોલર થશે. તેવી જ રીતે, કોઈ દીક્ષા ગુરુને ૫૦૦ રૂપિયા આપે, સ્થાનિક મંદિરે ૧,૦૦૦ રૂપિયા આપે, અને આ રીતે પોતાનું દાન વિવિધ સેવાઓમાં વહેંચી શકે. તમારા તમામ કાર્યો ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરો. પવિત્ર નામનો આશ્રય લો. પવિત્ર નામ આપણો સર્વોત્તમ મિત્ર છે.
કોઈ વ્યક્તિ ચાર કે પાંચ શિક્ષા ગુરુઓ પાસેથી માર્ગદર્શન લઈ શકે છે અને તેમની મદદથી કૃષ્ણભાવનામૃતમાં પ્રગતિ કરી શકે છે.
કળિયુગમાં પવિત્ર નામ જ એકમાત્ર માર્ગ છે, અને જો આપણે પવિત્ર નામનો જપ કરીએ, તો આપણે ભગવાનના ધામમાં પાછા જઈ શકીએ છીએ.
પ્રેરણાદાયક કથાઓ
મને ભક્તો તરફથી ઘણા અહેવાલો મળી રહ્યા છે કે મેં એપ્રિલ મહિનામાં આપેલા વ્યાસ-પૂજા પ્રવચન પછી ઘણા ભક્તોએ ત્રિસંધ્યા સમયે ત્રણ માળા જપવાનું શરૂ કર્યું છે, અને ઘણાએ પોતાની આવકનો ૧૧% ભાગ કૃષ્ણસેવામાં અર્પણ કરવાનું પણ શરૂ કર્યું છે. આ ખૂબ જ ઉત્સાહવર્ધક છે.
મને પુરુષોત્તમ માસના પ્રચાર કાર્યક્રમોના પણ કેટલાક અહેવાલો મળ્યા છે. બલરામ ગોવિંદ દાસે મને લખ્યું હતું કે મદુરાઈમાં તેમણે બે દિવસનો હરિનામ-સંગ ઉત્સવ યોજ્યો હતો, જેમાં આશરે ૨,૪૦૦ નવા લોકોએ હરે કૃષ્ણ મહામંત્રની એક માળા જપ કરી હતી. તેમણે દરરોજ એક માળા જપ કરવાનો સંકલ્પ પણ લીધો હતો. તેઓએ આ નવા સંપર્કો સાથે ફરી સંપર્ક સાધવા અને તેમને કૃષ્ણભાવનામૃતમાં આગળ વધારવા માટે પણ યોજનાઓ બનાવી છે.
હવે લગભગ એક મહિનાથી હું મારી જયપતાકા સ્વામી એપ પર દરરોજ જપ-ધ્યાનના સંદેશાઓ મોકલી રહ્યો છું. તેથી મને આશા છે કે તમે તે વાંચી રહ્યા છો અને નામ અપરાધોથી બચીને પવિત્ર નામનો જપ કરી રહ્યા છો.
કોઈએ મને લખ્યું હતું કે તેઓ લગભગ દસ વર્ષથી ઊંઘની ગોળીઓ અને ડિપ્રેશનની દવાઓ લેતા હતા. પરંતુ હવે, હરે કૃષ્ણ મહામંત્રનો દરરોજ જપ શરૂ કર્યા પછી, તેમને ઊંઘની ગોળીઓ કે ડિપ્રેશનની દવાઓની જરૂર રહી નથી. હરિનામ એ આપણી તમામ સમસ્યાઓ માટેની શ્રેષ્ઠ ઔષધિ છે!
આ પુરુષોત્તમ માસ છે, અને આ મહિનામાં આપણે જે કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, તેનું ફળ હજાર ગણું વધારે મળે છે. પુરુષોત્તમ માસ વિશે જેપીએસ મીડિયા દ્વારા બનાવવામાં આવેલો બે મિનિટથી પણ ઓછા સમયનો એક વિડિયો છે.
પુરુષોત્તમ માસ પૂર્ણ થવા માટે હવે માત્ર બે અઠવાડિયા બાકી છે!
બધા ભક્તોએ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. તેમણે આપણને સંકીર્તન યજ્ઞ આપ્યો છે, અને આ પ્રક્રિયા દ્વારા આપણે એક જ જીવનમાં શ્રીકૃષ્ણના ચરણકમળ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ અત્યંત વિશેષ કૃપા છે.
મને આશા છે કે તમે સ્વસ્થ હશો અને આનંદમય કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત હશો.
આપનો સદૈવ શુભેચ્છક,
જયપતાકા સ્વામી
જેપીએસ/આરઆરએસડીબી