
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથાયોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મારા મુખ્ય કેન્દ્ર શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરથી લિખિત
તારીખ: ૩ માર્ચ ૨૦૨૬
મુખ્ય વિશેષતાઓ
ગૌર પૂર્ણિમાની શુભકામનાઓ! તો આજે ગૌરાબ્દ ૫૩૯નો અંતિમ દિવસ છે.
મેં આજે સવારે ગૌર પૂર્ણિમાના ઉત્સવ પંડાલમાં એક વર્ગ આપ્યો. મેં બંગાળી અને અંગ્રેજીમાં પ્રવચન આપ્યું, અને આટલા બધા વૈષ્ણવો અને વૈષ્ણવીને જોઈને મને ખૂબ આનંદ થયો.
ગઈકાલે રાત્રે મેં શ્રીલ પ્રભુપાદ કનેક્ટ ડેમાં પ્રવચન આપ્યું. અને ત્રણ દિવસ પહેલા શાંતિપુર ઉત્સવ હતો. તેથી અમે ત્યાં ગયા, વર્ગ આપ્યો, અને ખિચડી પણ ગ્રહણ કરી. ભગવાન ચૈતન્યએ કહ્યું કે, આ તિથિ પર, જે કોઈ શાંતિપુરમાં પ્રસાદ ગ્રહણ કરે છે તેને ગોવિંદ ભક્તિ પ્રાપ્ત થાય છે.
જ્યારે હું શ્રી માયાપુરમાં હતો ત્યારે શ્રીલ પ્રભુપાદ તરફથી મને મળેલા પત્રોમાં એક પત્ર હતો કે મારે માત્ર શ્રી માયાપુરમાં જ ન રહેવું જોઈએ, પણ યાત્રા કરવી જોઈએ અને પ્રચાર કરવો જોઈએ. તેઓ ઈચ્છતા હતા કે આપણે સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર કરીએ અને લોકોને શ્રી માયાપુર ધામમાં લાવીએ. આ વર્ષે ૭ વિભિન્ન સમૂહમાં નવદ્વીપ મંડળ પરિક્રમામાં ૧૬,૫૦૦ થી વધુ ભક્તોએ ભાગ લીધો. અને છેલ્લા દિવસે, અમારું મહામિલન હતું. શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરની આગાહીને પૂર્ણ કરતા વિવિધ પરિક્રમા પક્ષોના બધા ભક્તો મળ્યા.
આ ઉત્સવ દરમિયાન, ઘણા ભક્તો શ્રી માયાપુર આવે છે, અને તેઓ શ્રોતાઓને વિનંતી પણ કરે છે. જ્યારે મારું શરીર સારું ન હતું, ત્યારે ડાયાલિસિસ કરાવતી અને શારીરિક પીડાનો અનુભવ થતો હોવા છતાં, મેં દરરોજ સાંજે વર્ગો આપવાનું ચાલુ રાખ્યું. આ રીતે, હું કૃષ્ણકથા બોલી શકતો, ભક્તોને વ્યક્તિગત રીતે જોઈ શકતો, તેમને પ્રોત્સાહિત કરી શકતો અને તેમના આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ આપી શકતો.
અમે હમણાં જ શ્રીલ ભક્તિવિનોદ ઠાકુર દ્વારા લિખિત પુસ્તક “શ્રી ચૈતન્ય શિક્ષામૃત” પર ચર્ચા પૂર્ણ કરી છે, અને અમે શ્રીલ પ્રભુપાદની “જલદૂત પર અમેરિકાની યાત્રા” ની ડાયરીથી શરૂઆત કરી છે. મને શ્યામરસિક દાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ શ્રી ચૈતન્ય શિક્ષામૃત પર ભાષ્ય શરૂ કર્યું હતું, અને અમે સંપૂર્ણ પુસ્તક ૨ વર્ષ અને ૩ મહિનામાં પૂર્ણ કર્યું! અલબત્ત, અમે તે દૈનિક નહોતું કર્યું.
ગયા અઠવાડિયે, અમને મારા પ્રિય ગુરુભાઈ શ્રી શ્રીમદ્ બદ્રીનારાયણ સ્વામીના આ સંસાર છોડવાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. તેમણે અચાનક જ તેમનું શરીર છોડી દીધું. તેઓ મારા કરતા ત્રણ વર્ષ નાના હતા. તેઓ ૧૯૮૭ થી જીબીસીમાં લાંબા સમયથી સેવા આપતા અને સમર્પિત સભ્ય હતા, અને જીબીસીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ હંમેશા શ્રીલ પ્રભુપાદના મિશનનું રક્ષણ અને વિસ્તાર કેવી રીતે કરવુ તે વિશે વિચારતા હતા. અમે નિશ્ચિત રીતે તેમના સંગનું સ્મરણ કરીશું.
શ્રીલ પ્રભુપાદનો સંદેશ
શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે દીક્ષા-ગુરુ એક છે. પરંતુ શિક્ષા-ગુરુ ઘણાં હોઈ શકે છે.
“બે પ્રકારના ઉપદેશક આધ્યાત્મિક ગુરુઓ છે. એક મુક્ત વ્યક્તિ છે જે ભક્તિમય સેવામાં ધ્યાનમાં સંપૂર્ણપણે લીન છે, અને બીજો તે છે જેઓ યોગ્ય ઉપદેશ દ્વારા શિષ્યની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે. આમ, ભક્તિ વિજ્ઞાનના ઉપદેશ ઉદ્દેશ્ય અને વ્યક્તિનિષ્ઠ સમજના આધારે ભિન્ન હોય છે. શબ્દના ખરા અર્થમાં આચાર્ય, જે કૃષ્ણને પ્રદાન કરવા માટે અધિકૃત છે, શિષ્યને સંપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાનથી સમૃદ્ધ બનાવે છે અને આમ તેને ભક્તિમય સેવાની પ્રવૃત્તિઓ માટે જાગૃત કરે છે.” ચૈતન્ય ચરિતામૃત આદિ ૧.૪૭ તાત્પર્ય.
“ક્યારેક દીક્ષા-ગુરુ હંમેશા ઉપસ્થિત હોતા નથી. તેથી વ્યક્તિ ઉન્નત ભક્ત પાસેથી શિક્ષા, ઉપદેશ લઈ શકે છે. તેને શિક્ષા-ગુરુ કહેવામાં આવે છે. શિક્ષા-ગુરુનો અર્થ એ નથી કે તે દીક્ષા-ગુરુના ઉપદેશોની વિરુદ્ધમાં કંઈક બોલે. તે શિક્ષા-ગુરુ નથી. તે મૂર્ખ છે.” ભગવદ્ ગીતા ૧૭.૧-૩ હોનોલુલુ, ૪ જુલાઈ, ૧૯૭૪
મારો સંદેશ
શ્રીલ પ્રભુપાદે મને ૫૦,૦૦૦ શિષ્યો બનાવવા કહ્યું હતું. પરંતુ શિષ્યો બનાવવા એ એક વાત છે, અને હું એ પણ જોવા માંગુ છું કે દીક્ષિત શિષ્યો કૃષ્ણભાવનામૃતમાં આગળ વધે. એટલા માટે હું વારંવાર બધાને વિનંતી કરું છું કે તેઓ હરે કૃષ્ણ મહામંત્રનો ધ્યાનપૂર્વક જપ કરે અને ચાર નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરે, અને ગાયત્રી મંત્ર પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને. મારી પાસેથી દીક્ષા સ્વીકારનારા ભક્તો માટે હું જવાબદાર છું. ઉપરાંત, હું મારી પાસે આવતા કોઈપણ ભક્તોની સંભાળ રાખવા માંગુ છું. પરંતુ તે જ સમયે, મને કનિષ્ઠ ભક્તોની સંભાળ રાખવા માટે વૃદ્ધ ભક્તો, વરિષ્ઠ ભક્તોની સહાયતાની જરૂર છે.
શ્રીલ પ્રભુપાદે કહ્યું કે વ્યક્તિના ઘણાં શિક્ષા ગુરુ હોઈ શકે છે. શિક્ષાનો અર્થ છે એવા ઉપદેશ જે પરમેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણનું યથાર્થ પ્રતિનિધિત્વ કરે છે, અને દીક્ષાનો અર્થ છે મંત્ર ગ્રહણ કરવો. તેથી દીક્ષા-ગુરુ એક સાથે દીક્ષા અને શિક્ષા-ગુરુ છે. શ્રીલ પ્રભુપાદે કહ્યું, “હું મારા શિષ્યો માટે દીક્ષા અને શિક્ષા ગુરુ બંને છું.” બીજા શિક્ષા-ગુરુઓ પણ હોઈ શકે છે જે ભક્તને ગુરુ અને કૃષ્ણની સેવા કરવા માટે દીક્ષાગુરુને મદદ કરે છે. જ્યારે શિક્ષા-ગુરુ ઉપદેશ આપે છે, ત્યારે તે ગુરુ, સાધુ અને શાસ્ત્ર અનુસાર ઉપદેશ આપવા માટે પણ બંધાયેલા છે. જો તે મિથ્યા ઉપદેશ આપે તો તે પણ ઉત્તરદાયી રહેશે. તેથી ઘણા શિક્ષા-ગુરુ હોઈ શકે છે, પરંતુ દીક્ષા-ગુરુ માત્ર એક જ હોઈ શકે છે. અને દીક્ષા-ગુરુ સામાન્ય રીતે દીક્ષા અને શિક્ષા-ગુરુ બંને હોય છે.
શિક્ષા ગુરુઓના બે સ્તર હોય છે. એક એ જે તમારા આધ્યાત્મિક ગુરુના સમાન સ્તર પર હોય, અને એક એ જે તમારા આધ્યાત્મિક જીવનમાં સહાયતા કરવા માટે ઉપયુક્ત ઉપદેશ આપે છે.
મારા કેટલાક શિષ્યો તેમના પિતા અને માતા (જો તેઓ ભક્ત હોય તો), મંદિરના પ્રમુખો, તેમના નામહટ્ટ નેતાઓ, સલાહકારો, વરિષ્ઠ ભક્તો, અન્ય ગુરુઓ વગેરે દ્વારા માર્ગદર્શન મેળવે છે. હું ઇચ્છું છું કે મારા બધા શિષ્યો પાસે વિવિધ શિક્ષા ગુરુઓ હોય, જ્યાં સુધી તેઓ મારા કોઈપણ ઉપદેશોનું ખંડન ન કરે. હું ઈચ્છું છું કે મારા શિષ્યો મને જણાવે કે તેમના શિક્ષા ગુરુ કોણ છે. તમે આ લિંક પર ક્લિક કરી શકો છો અને વિગતો મોકલી શકો છો.
https://www.jayapatakaswami.com/e-care-siksa-guru/
શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, આપણાં સંસ્થાપક-આચાર્ય, ઈસ્કોનમાં દરેક માટે મુખ્ય શિક્ષા-ગુરુ છે. હું દીક્ષા આપું છું, અને હું ઉપદેશ પણ આપું છું. તેથી હું દીક્ષા અને શિક્ષા ગુરુ છું. પરંતુ સ્વાભાવિક રીતે, લોકોના બીજા શિક્ષા-ગુરુઓ હોય છે, તેથી હું જાણવા માંગુ છું કે તમારા શિક્ષા-ગુરુ કોણ છે.
પ્રેરણાદાયી કથાઓ
મને ઈસ્કોન મંગલગિરી તરફથી ડિસેમ્બરમાં તેમના પુસ્તક વિતરણ વિશે ખૂબ જ પ્રોત્સાહક અહેવાલ મળ્યો. શરૂઆતમાં તેઓએ ૮૦૦૦ પુસ્તકોનું વચન આપ્યું હતું, પરંતુ મહિનાના અંતે, તેઓએ ૧૪,૨૨૫ પુસ્તકોનું વિતરણ કર્યું, જે ગયા વર્ષના પુસ્તક વિતરણ કરતાં બમણા કરતાં વધુ હતું.
મને નિયમિતપણે ભક્તો તરફથી ઉપદેશ અહેવાલો મળે છે, અને તેમાંના ઘણા મારા શિષ્યો તરફથી છે કે તેઓ ભક્તિ-વૃક્ષ, જેલમાં પ્રચાર, બાળકોના વર્ગો, વાંચન જૂથો, પુસ્તક વિતરણ, રસોઈ અને મંદિરોમાં અર્ચાવિગ્રહની પૂજા, મંદિરોનો હિસાબ કરવો, વર્ગો આપવા, શેરીઓમાં હરિનામ કરવું, પ્રસાદ વિતરણ, જીવન માટે ભોજન અને ઘણી અન્ય સેવાઓ કેવી રીતે કરી રહ્યા છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે કે પતિ અને પરિવારની સેવા કરવા ઉપરાંત, તેઓ વિવિધ સેવાઓમાં પણ રોકાયેલા છે. તેઓ વૈષ્ણવી છે, ફક્ત મહિલાઓ જ નહીં!
મારી પાસે ઘણા વિચારો છે, અને હું પ્રચાર કરવા માંગુ છું. દરરોજ, નવા વિચારો આવતા રહે છે. પરંતુ હવે હું અશક્ત છું, હું શારીરિક રીતે સ્પષ્ટ રીતે બોલી પણ શકતો નથી. તેથી, હું વિવિધ વિષયો પર ઘણા વિડિયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને ખબર નથી કે કૃષ્ણ મને આ શરીરમાં કેટલો સમય રાખશે, પરંતુ હું બધો સમય અને શક્તિ કૃષ્ણભાવનાભાવિત રહેવા અને પ્રચાર કરવા માટે વાપરવા માંગુ છું.
અમે નાની ટીમો બનાવી રહ્યા છીએ કે જેથી અમે સારી ગુણવત્તા અને યોગ્ય સિદ્ધાંત જાળવી રાખીને ઝડપથી ઘણા વિડિયો બનાવી શકીએ. અત્યાર સુધીમાં, લગભગ ૪૭ ભક્તોએ સ્વયંસેવા આપી છે. પરંતુ તેમાંથી કેટલાક કૃત્રિમ બુદ્ધિમત્તા વિડિયો નિર્માણમાં સંપૂર્ણપણે નવા છે, અને કેટલાક આ સેવાના વિવિધ ભાગો – પટકથા સહયોગ, દ્રશ્ય નિર્માણ, સંપાદન, લિપ સિંકિંગ, સમન્વય અથવા સમીક્ષા – માં સહાય કરવા માટે પ્રતિ સપ્તાહ માત્ર ૨-૪ કલાક જ સમર્પિત કરી શકે છે.
હું એવા ભક્તો શોધી રહ્યો છું જેઓ અનુભવી હોય અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા નવીનતમ સાધનોનો ઉપયોગ કરીને વિડિયો બનાવવાનું શીખવા તૈયાર હોય, અને પ્રક્રિયાને માર્ગદર્શન આપવામાં મદદ કરી શકે, તેમજ એવા ભક્તો પણ શોધી રહ્યો છું જે નવા હોય પણ શીખવા અને સતત યોગદાન આપવા માટે સમય અને શક્તિ લગાવા માટે આતુર હોય. જો તમે આ સેવામાં ભાગ લેવા માંગતા હો, તો તમે https://form.jotform.com/260391208286054 ફોર્મ ભરી શકો છો અને મારા સમન્વયક તમારો સંપર્ક કરશે.
ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ ખૂબ જ દયાળુ છે. આપણે તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ, અને તેમની દયાથી બધું શક્ય બની શકે છે.
આપણું નવું વર્ષ આવતીકાલે શરૂ થઈ રહ્યું છે, તેથી હું તમને ગૌરાબ્દ ૫૪૦ ની શુભકામનાઓ પાઠવું છું.
ગૌરાંગ!
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી
જેપીએસ/આરઆરએસડીબી
પાક્ષિક સંદેશ (૧૯ જાન્યુઆરી – ૧ ફેબ્રુઆરી ૨૦૨૬) માધવ માસ, ગૌર પક્ષ, પૂર્ણિમા, ૫૩૯ ગૌરાબ્દ
મારા પ્રિય દીક્ષા, આશ્રિત, આકાંક્ષી, શિક્ષા, પ્ર-શિષ્યો અને શુભચિંતકો,
કૃપા કરીને મારા યથા-યોગ્ય આશીર્વાદ, શુભકામનાઓ અને પ્રણામ સ્વીકારો.
શ્રીલ પ્રભુપાદની જય.
મારા મુખ્ય કેન્દ્ર: શ્રી માયાપુર ચંદ્રોદય મંદિરથી લિખિત
તારીખ: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬
એપ, વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ માટેની લિંક:
આઈઓએસ એપ: https://apps.apple.com/us/app/id967072815
એન્ડ્રોઇડ એપ: https://play.google.com/store/apps/details?id=com.jayapatakaswami.jpsapp
સત્તાવાર વેબસાઇટ: https://www.jayapatakaswami.com
પ્રવચન (ઓડિયો અને ટ્રાન્સક્રિપ્શન): https://jayapatakaswamiarchives.net
યુટ્યુબ ચેનલ: http://youtube.com/jayapatakaswamiofficial
સાઉન્ડક્લાઉડ પ્રવચન અને કીર્તન: http://www.soundcloud.com/jayapatakaswami
ફેસબુક: http://www.facebook.com/Jayapatakaswami
ટેલીગ્રામ ચેનલ: https://t.me/JayapatakaSwami
વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaBTu8uIiRoqvPKige0G
ઇન્સ્ટાગ્રામ પેજ: http://www.instagram.com/Jayapatakaswamionline